Sunday, December 18, 2005

ગ્રામમાતા

ગ્રામમાતા
–સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી)

(શાર્દૂલવિક્રીડિત)
ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !

(માલિની)
મધુર સમય તેવે ખેતરે શેલડીના, રમત કૃષિવલોનાં બાલ નાનાં કરે છે;
કમલવત્ ગણીને બાલના ગાલ રાતા, રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે !

(અનુષ્ટુપ)
વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી,
અહો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે !

(વસંતતિલકા)
ત્યાં ધૂળ દૂર નજરે ઊડતી પડે છે,
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે
ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને,
તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં !

(મંદાક્રાન્તા)
ધીમે ઊઠી, શિથિલ કરને, નેત્રની પાસ રાખી, વૃદ્ધા માતા, નયન નબળાં, ફેરવીને જુએ છે;
ને તેનો એ, પ્રિય પતિ હજુ, શાંત બેસી રહીને, જોતાં ગાતો, સગડી પરનો, દેવતા ફેરવે છે.

(અનુષ્ટુપ)
ત્યાં તો આવી પહોંચ્યો એ, અશ્વ સાથે યુવાન ત્યાં;
કૃષિક, એ ઊઠી ત્યારે 'આવો, બાપુ !' કહી ઊભો.

(શાર્દૂલવિક્રીડિત)
'લાગી છે મુજને તૃષા, જલ જરી દે તું મને'
બોલીનેઅશ્વેથી ઊતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ;
'મીઠો છે રસ ભાએ! શેલડી તણો' એવું દયાથી કહી,
માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી !

(વસંતતિલકા)
પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરીક કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
ને કૈં વિચાર કરતો નર તે ગયો પી.

(અનુષ્ટુપ)
'બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા,'
કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું.

(મંદાક્રાન્તા)
કાપી કાપી ફરી ફરી અરે ! કાતળી શેલડીની,
એકે બિંદુ પણ રસતણું કેમ હાવાં પડે ના ?
'શુ કોપ્યો છે પ્રભુ મુજ પરે !' આંખમાં આંસુ લાવી,
બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં

(અનુષ્ટુપ)
'રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
નહિ તો ના બને આવું;' બોલી માતા ફરી રડી.

(વસંતતિલકા)
એવું યુવાન સુણતાં ચમકી ગયો ને
માતાતણે પગ પડી ઊઠીને કહે છે :
'એ હું જ છું નૃપ, મને કર માફ ! બાઈ !
એ હું જ છું નૃપ, મને કર માફ ! ઈશ !'

(શાર્દૂલવિક્રીડિત)
'પીતો'તો રસ હું પ્રભુ ! અરે ત્યારે જ ધાર્યું હતું,
આ લોકો સહુ દ્રવ્યવાન નકી છે, એવી ધરા છે અહીં;
છે તોયે મુજ ભાગ કૈં નહીં સમો, તે હું વધારું હવે,
શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની, પાસેથી લેવું નહીં ?

(ઉપજાતિ)
રસ હવે દે ભરી પાત્ર બાઈ ! પ્રભુક્રુપાએ નકી એ ભરાશે;
સુખી રહે બાઈ! સુખી રહો સૌ, તમારી તો આશિષ માત્ર માગું !'

(વસંતતિલકા)
પ્યાલુ ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરી જ કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
બ્હોળો વહે રસ અહો ! છલકાવી પ્યાલું !

5 comments:

colours said...

it's really good collection.. i read charan kanya after long... maja padi gayi... :) saw ur fav books.. will suggest you to read zer to pidha jani jani by darshak.

i have read meghani... kanayalal munshi.. darshak. and many of them... nice to know a person who equally passionate.. :)

colours said...

forgot to mention i have been there in vallabh vidhyanagar for four years. had been graduated from there. From GCET. :)

colours said...

Hmm.. nice to get ur comment too..
I know V.R. shah and had studied under SanghaviSir in my 2nd year of enggineering.

:)

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah) said...

Dear Dr. Dinesh Karia,

I accidentaly stumbled on your blog. Good collection. It seems that
following ones were first published on my blog located at http://drsiddharth.blogspot.com

- ગ્રામમાતા
- અંધેર નગરી
- જૂનું ઘર ખાલી કરતાં
- અન્યોક્તિ –દલપતરામ ઊંટ કહે: આ સમામાં, વાંકાં અંગ...
- ચારણ-કન્યા

It would be nice if you had provided courtesy link.

Siddharth Shah
http://drsiddharth.blogspot.com

Dinesh Karia said...

પ્રિય સિદ્ધાર્થભાઈ,

આપનું સુચન વાંચ્યું કે મારે તમારી સાઇટનું સરનામું આપવું જોઇતું હતું કારણકે ગ્રામમાતા, અંધેર નગરી, જુનું ઘર ખાલી કરતાં, અન્યાક્તિ તેમજ ચારણ કન્યા મારા બ્લોગ કરતાં તમારા બ્લોગમાં પ્રથમ લખાઈ હતી.

મિત્ર, આ આપણી કવિતાનો અમર વારસો છે. મને કઇ રીતે ખબર પડે કે મેં મારા બ્લોગમાં મુકેલી કવિતા તમારા બ્લોગમાં મુકાઇ ચુકી છે. આમ પણ આ વારસા પર કોઇનો એકાધિકાર ન હોઇ શકે. આ ગુજરાતનું નજરાણું છે, તમારું કે મારુ નહી. તમારા બ્લોગ પહેલાં આ કવિતાઓ કઇ કઇ જગ્યાએ પ્રકાશિત થઇ હતી તેનો કોઇ રેકર્ડ આપની પાસે હોચ તો તમારા બ્લોગમાં અવશ્ય મુકશો.

આશા છે આપને ખુલાસો ગળે ઊતરશે.

દિનેશ કારીઆ