Friday, October 13, 2006

એક પ્રશ્નપત્ર

1. હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો.

2. અને આમ તો તમે ય મારી વાટ જુઓ છો,

કેમ, ખરું ને........

"હા" કે "ના"માં જવાબ આપો.

3. (આવ, હવે તો ભાદરવો વરસાદ થઈને આવ, મને પલળાવ ! )

કૌંસમાં લખ્યા પ્રમાણે કરો.

4. નાની પ્યાલી ગટગતટ પીને ટાઢા પેટે હાથ ફેરવી હું તો જાણે બેઠો'તો ત્યાં તમને જોયાં. તમને જોઈ તરસ્યો તરસ્યો તરસ્યો થ્યો છું

:રસ-આસ્વાદ કરાવો.

5. શ્વાસોચ્છવાસો કોના માટે ? કારણ પૂરાં પાડો.

6. છેકાછેકી બને તેટલી ઓછી કરવી.

(સાફસૂથરો કોરોકટ બસ તને મળ્યો છું)

7. "તમને હું ચાહું છું, ચાહીશ, "કોણે,કયારે,કોને,આવી પંક્તિ(નથી)કહી ?

8. હવે ખુલાસો. આ લો મારું નામ લખ્યું કાગળ પર, તેને ચૂમો. નહિતર કેંન્સ્લ વ્હોટ ઈઝ

નોટ એપ્લીકેબલ.

=કવિ ઉદયન ઠક્કર


 

Sunday, May 14, 2006

એક ઘા

એક ઘા
–સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી)
તે પંખીની ઉપર પથરો ફેકતાં ફેકી દીધો,
છૂટયો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,
પાણી છાંટયું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે? જ્ખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!

આહા! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊધડી એ,
મ્રૂત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?
જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.

રે રે! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્હોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;
રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામથ્યૅ ના છે.

Thursday, May 11, 2006

પાન લીલું જોયું


પાન લીલું જોયું
–હરિન્દ્ર દવે

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમકયો ને તમે યાદ આવ્યાં.

જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઈ મ્હેરામણ રામ,
સ્હેજ ચાંદની છ્લકી ને તમે યાદ આવ્યાં.

કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે કાનુડાના મુખમાં ભ્રમાંડ દીઠું રામ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.

કોઈ આંગણ અટક્યુ ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં શોરે થયો રામ,
એક પગલુ ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.

દેવના દીધેલ

દેવના દીધેલ
–લોકગીત

તમે મારા દેવના દીધેલ છો,
તમે મારા માંગીને લીધેમ છો:
આવ્યા ત્યારે અમર થઇને રો’!

મા’દેવ જાઉં ઉતાવળીને જઇ ચડાવું ફુલ,
મા’દેવજી પરસન થયા ત્યારે આવ્યાં તમે અણમૂલ;
તમે મારૂ નગદ નાણું છો,
તમે મારૂ ફુલ વસાણું છો:
આવ્યા ત્યારે અમર થઇને રો’!

મા’દેવ જાઉં ઉતાવળીને જઇ ચડાવું હાર,
પારવતી પરસન થયા ત્યારે આવ્યાં હૈયાના હાર; -- તમે મારૂ નગદ...

હડમાન જાઉં ઉતાવળીને જઇ ચડાવું તેલ;
હડમાનજી પરસન થયા ત્યારે ઘોડિયાં બાંધ્યા ઘેર; -- તમે મારૂ નગદ...

તમે મારા દેવના દીધેલ છો,
તમે મારા માંગીને લીધેમ છો:
આવ્યા ત્યારે અમર થઇને રો’!

ગુર્જરી

ગુર્જરી

–લોકગીત

(ગુજરાતી-મુસલમાની બોલીમાં લખાયેલી આ કવિતા કોઇક ગુર્જર કવિની રચના છે. જો કે, ઇતિહાસનાં પાનાં આ કવિતામાં વર્ણવેલા પ્રસંગની સાક્ષી પુરે છે. મૂળ લાંબા કાવ્યને મહેન્દ્ર મેઘાણીએ તેમના પુસ્તક “ઘોળી ઘોળી પ્યાલા ભરિયા” (લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર, મેઘાણી શતાબ્દી વર્ષ ૧૯૯૬ શ્રેણી અંતર્ગત ૧૯૯૭ માં પ્રકાશિત)માં ટૂંકાવીને મૂકી છે. આ પુસ્તકમાં ઝવેરચંદ મેઘાણીનાં લોકગીતો, લોકવાર્તાઓનાં ઘણા બધાં પુસ્તકોમાંથી પસંદ કરેલી કૃતિઓનો સમાવેશ કર્યો છે.)

કે કાબુલસેં બાદશા ચડે ને સારી દિલ્લી કા દિવાન રે
કે બાદશા ઊતરે બાગમેં, મેં ક્યા મસ દેખન જાઉં રે,
કે હાથ મેં લઉં લાલ બેડલું, પનિહારણ હો કે જાઉં રે,
કે બાદશા ઊતરે બાગમેં, મેં ક્યા મસ દેખન જાઉં રે,
કે હાથ મેં લઉં ફૂલછાબડી, મેં માલણ હો કે જાઉં રે,

કે ફૂલગરનો ઘાઘરો, સાળુડે કસબી કોર રે,
કે કડલાં કાંબી અણવટ વિંછવા, ઝાંઝરનો ઝમકાર રે.

કે કાને કલાફૂલ શોભતાં ને વળી ઝીણી ઝબુકે ઝાલ રે,
કે કોટે તે પાટિયાં શોભતાં અને કંઠે એકાવળ હાર રે.

કે લીલી ગજીનું કાપડું ને ગજમોતીનો હાર રે,
કે કાને તે વાળીઓ શોભતી ને ટીલડી તપે લલાટ રે.

કે બાલે બાલે મોતી પરોવ્યાં, જાણે ઊગ્યો સુરજ ભાણ રે,
કે છોટી મટકીમાં દહીં જમાયો, દૂધ લિયો મણ ચાર રે.

કે સાસુ કહે: તુમ સુણો બવરીયા, લશ્કરમે મત જાવ રે
કે દિલ્લી શે’ર કો બાદશાહ તુજે રખેગો મહોલન માંય રે.

કે સાસુના વાર્યાં ના વળ્યાં, વહુ મહી બેચનકો જાય રે,
કે ચલી ગજરીઆં દહીં બેચનકું, બાદશાહ કે દરબાર રે.

કે અઇયર લ્યો કોઇ મહિયર લ્યો, કોઇ લ્યોને મીઠડાં દૂધ રે,
કે હાટે મોહ્યા હાટ-વાણિયા ને ચોરે મોહ્યા ચોપદાર રે.

કે ચલી ગજરીઆં દહીં બેચનકું, બેઠી લાલ બજાર રે,
કે બાદશાહકું તો ખબર હુઈ ને ગુજરી દેખન આય રે.

કે બાદશા કહેવે સુણ ગુજરી, તુમ સુણો અમેરી બાત રે,
કે કાથ કથીરમાં ક્યા પહેરના? ગોરી, પેરો સોના શેર રે.

કે કાથ કથીર મેરે બો’ત ભલો, તેરે સોને મેં લગાદું આગ રે!
કે હિંદવાણી તું હરામજાદી, બાદશાકું દેવે જવાબ રે.

કે બાદશા કહેવે સુણ ગુજરી, તુમ સુણો અમેરી બાત રે,
કે કાળી કામળ મેં ક્યા ઓઢના? ગોરી, પેરો દખણી ચીર રે.

કે કાળી કામળ મેરે બો’ત ભલી, તેરે ચીરકું લગાદું આગ રે!
કે હિંદવાણી તું હરામજાદી, બાદશાકું દેવે જવાબ રે.

કે બાદશા કહેવે સુણ ગુજરી, તુમ સુણો અમેરી બાત રે,
કે મકના હાથી અજબ બન્યા ગોરી, હાથી દેખન આવ રે.

કે તેરે હાથીમેં ક્યા દેખના, મેરે આંગણ ભૂરી ભેંશ રે,
કે ટંકે સવામણ દૂધ કરે, તારા હાથીસે ભલી મેરી ભેંશ રે!
કે હિંદવાણી તું હરામજાદી, બાદશાકું દેવે જવાબ રે.

કે બાદશા કહેવે સુણ ગુજરી, તુમ સુણો અમેરી બાત રે,
કે મેરી મૂછો અજબ બની ગોરી, મૂછો પે મોહી આવ રે.

કે તેરી મૂછોમેં ક્યા દેખના, મેરે બકરેકો એસી પૂંછ રે!
કે હિંદવાણી તું હરામજાદી, બાદશાકું દેવે જવાબ રે.

કે બાદશા કહેવે સુણ ગુજરી, તુમ સુણો અમેરી બાત રે,
કે કિયું તમારુ સાસરીયું ને કિયા પુરુષ ઘેર નાર રે?
કે ગઢ ગોકુળ મારું સાસરુંને ચંદા પુરુષ ઘર નાર રે!

કે કોણ દેશની તું ગોવાલણી ને શું છે તમારું નામ રે?
કે ગઢ માંડવની ગોવાલણી ને મેના ગુજરી નામ રે!
કે બાદશા કહેવે સુણ ગુજરી, તુમ સુણો અમેરી બાત રે,
કે છોટી મટકીકા મૂલ કરો ગોરી, ઉસકા ક્યા હોય મૂલ રે?

કે છોટી મટકીકા મૂલ કરું તો, તેરી શુધબુધ જાવે ભૂલ રે!
કે હિંદવાણી તું હરામજાદી, બાદશાકું દેવે જવાબ રે.

કે બાદશા કહેવે સુણ ગુજરી, તુમ સુણો અમેરી બાત રે,
કે દૂસરી મટકીકા મૂલ કરો ગોરી, ઉસકા ક્યા હોય મૂલ રે?

કે દૂસરી મટકીકા મૂલ કરું તો, તેરી સોલસેં રાણી ડુલ રે!
કે હિંદવાણી તું હરામજાદી, બાદશાકું દેવે જવાબ રે.

કે બાદશા કહેવે સુણ ગુજરી, તુમ સુણો અમેરી બાત રે,
કે તીસરી મટકીકા મૂલ કરો ગોરી, ઉસકા ક્યા હોય મૂલ રે?

કે તીસરી મટકીકા મૂલ કરું તો, તારી સારી દિલ્લી ડુલ રે!
કે હિંદવાણી તું હરામજાદી, બાદશાકું દેવે જવાબ રે.

કે બાદશા કહેવે સુણ ગુજરી, તુમ સુણો અમેરી બાત રે,
કે તેરા રૂપ તે કિને દિયા? જાણે સોનું ઘડે સોનાર રે.

કે અલ્લામિંયાને મુજે રૂપ દિયા ને કરમ દિયા કિરતાર રે!
કે હિંદવાણી તું હરામજાદી, બાદશાકું દેવે જવાબ રે.

કે ગલબલ ગલબલ ક્યા બોલતી ગોરી, બોલો સમજ કી બાત રે,
કે અકડ છકડ ગોરી કેયા બોલતી, કંઇ છકડ લગાઉં દો-ચાર રે!

કે હાથે ડાલી હથકડિયાં ને હાથી પર બેઠાય રે,
કે હાથી કે હોદે પર બેઠી, કોઇ ન લેવે નામ રે.

કે મુને ન જાણીશ એકલી, મારાં ગુજર ચડે નવ લાખ રે!
કે હિંદવાણી તું હરામજાદી, બાદશાકું દેવે જવાબ રે.

કે ગુજરી કહેવે સુણ બાદશા’, તુમ સુણો અમેરી બાત રે,
કે મારું તમાચા ને ઉડ જાય પઘડી, મુખડા હો જાય લાલ રે!

કે ટકે ટકે તેરા ટટ્ટુ બેચાઉં ને દમડીકા દસ ઊંટ રે,
કે ટકે ટકે તેરી ઢાલ બેચાઉં ને દો કોડી તલવાર રે!

કે બાદશા’કું તો ગુસ્સા લગા ને ડાલી બેડીમાં’ય રે,
કે બ્રામણ વીરા વીનવું! તને આલું હૈયાનો હાર રે.

કે કાગળ જઇને આલજે મારા હીરીઆ દેરને હાથ રે,
કે હીરીએ કાગળ વાંચિયો ને ભાઇ ગુજરી પડી બેડીમાં’ય રે.

કે ચંદીએ કાગળ વાંચિયો ને ભાઇ ગુજરી પડી બેડીમાં’ય રે.
કે છોને પડી ભાઇ પડવા દો, એવી લાવીશું બે-ચાર રે.

કે તાણી બાંધો ભાઇ ઢાલ-તલવાર ને તાણી બાંધો હથિયાર રે,
કે શૂરા હોય સો સાથ ચલે ને નહીં કાયરકા કામ રે!

કે કેસરિયા ભાઇ વાઘા પહેરો, હો જાઓ લાલ ગુલાલ રે!
કે ત્યાથી હીરીઓ દોડીઓને ગયો ઘોડારનીમાં’ય રે.

કે હીરીઓ-ચંદીઓ ઘોડે ચડ્યા ને ગુજર ચડ્યા નવ લાખ રે!
કે હીરીએ ઘોડો ખેડિયો ને ધોબી માર્યા પચાસ રે.

કે લેજે ભવાની ભોગ, આ તો ગજર કેરો રોગ રે!
કે ચંદીએ ઘોડો ખેડિયો ને જાય દિલ્લી મેદાન રે.

કે હીરીઓ પેઠો શહેરમાં, ને કંદોઇ નાઠા જાય રે,
કે તોપોકી ધુમરોળ હુઇ ને હુવા અંધારા ઘોર રે!

કે બાદશાકું તો ખબર નહીં ને રૈયત નાઠી જાય રે,
કે સૂતો બાદશા જાગજે, તારે નગર પડ્યો ભેંકાર રે!

કે સૂતો બાદશા જાગિયો, ભાઇ ક્યા હોતા ધમરોળ રે?
કે સૂતો બાદશા જાગિયો, ને મુગલ ચડ્યા બાણું લાખ રે!

કે તાંબા નોબત ગડગડે ને એના ઢમકે વાગે ઢોલ રે,
કે ફાગણ સુદ ચૌદશના દા’ડે મામલો મચિયો જોર રે!

કે ગુજરી રહીને બોલિયાં ને બોલ્યાં એક જ વેણ રે,
કે હીરીઓ પહેરે કાંચળી ને હથિયાર મુજને આલ રે!

કે બાદશા સાથે એસી લડું, મેરા જુગમેં હો જાય નામ રે,
કે તરવારોની તાળી પડે ને બરછી ચાવે પાન રે!

અગાડી પિછાડી ડેરા તાણો ને બીચમાં રખો મેદાન રે,
કે વચમાં રાખો ગુજરી: ભાઇ જીતે તે લેઇ જાય રે!
કે હીરીઓ ને ચંદીઓ બોલિયા: રાજા, સાંભળો અમારી વાત રે,
કે પહેલો ઘાવ તમે કરો કે અમે તમારી રૈયત રે.

કે પહેલો ઘાવ બાદશે કીધો ગુજર લશ્કર માં’ય રે,
કે હીરીઓને ચંદીઓ ગુસ્સે થયા, જેમ બકરામાં પડ્યા વાઘ રે!

કે તરવારોની તાળી પડે ને લોહીના વરસ્યા મેઘ રે,
કે તમારી ગુજરી તમને મુબારક, ગુજરી હમારી બેન રે!