Friday, October 10, 2008

કસુંબીનો રંગ

કસુંબીનો રંગ
-- ઝવેરચંદ મેઘાણી

લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ !
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ – રાજ મને...

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં
ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ
ચોળ્યો કસુંબીનો રંગ – રાજ મને...

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં
ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં
મહેક્યો કસુંબીનો રંગ – રાજ મને...

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર
ચાખ્યો કસુંબીનો રંગ;
વ્હાલી દિલદારાન પગની મેંદી પરથી
ચૂમ્યો કસુંબીનો રંગ – રાજ મને...

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ
ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે
પાયો કસુંબીનો રંગ – રાજ મને...

પીડિતની આંસુડાધારે-હાહાકારે
રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે
સળગ્યો કસુંબીનો રંગ કસુંબીનો રંગ – રાજ મને...


ધરતીના ભૂખ્યાં કંગાલોને ગાલે
છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે
મલકાયો કસુંબીનો રંગ – રાજ મને...

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો !
પીજો કસુંબીનો રંગ
દોરંગા દેખીને ડરિયાં ટેકીલા હો !
લેજો કસુંબીનો રંગ – રાજ મને...
-- ઝવેરચંદ મેઘાણી
(મેઘાણી યુગવંદના, પ્રસાર, ભાવનગરમાંથી)




Thursday, October 09, 2008

શિવાજીનું હાલરડું

શિવાજીનું હાલરડું
-- ઝવેરચંદ મેઘાણી
આભમાં ઊગેલ ચાંદલો, ને જીજીબાઇને આવ્યાં બાળ રે (૨)
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજીબાઇ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત
માતાજીને મુખ જે દિ’થી,ઊડી એની ઊંઘ તે દિ’થી….શિવાજીને…

પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશેસૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીં, રણઘેલુડા !ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…

પ્હેરી - ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ના’શે :ઢાંકણ તે દિ’ ઢાલનું થાશે….શિવાજીને…

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દિ’ તારે હાથ રે’વાનીરાતી બંબોળ ભવાની….શિવાજીને…

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
તે દિ’ તો સિંદોરિયા થાપાછાતી માથે ઝીલવા, બાપા….શિવાજીને…

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દિ’ તારાં મોઢડાં માથેધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પો’ર –
તે દિ’ કાળી મેઘલી રાતેવાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…
આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દિ’ તારી વીરપથારીપાથરશે વીશ-ભુજાળી……શિવાજીને…
આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દિ’ તારે શિર ઓશીકાંમેલાશે તીર-બંધૂકા….શિવાજીને…

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણું જોવે વાટ –
જાગી વ્હેલો આવ, બાળુડા !માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…

જાગી વ્હેલો આવજે, વીરા !ટીલું માના લોહીનું લેવા !
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજીબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળેધણણણ ડુંગરા બોલે.
-- ઝવેરચંદ મેઘાણી
(મેઘાણી યુગવંદના, પ્રસાર, ભાવનગરમાંથી)

રક્ત ટપકતી સો સો ઝોળી

રક્ત ટપકતી સો સો ઝોળી
-- ઝવેરચંદ મેઘાણી

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે!
માતની આઝાદી ગાવે.

કો’ની વનિતા, કો’ની માતા, ભગિનીઓ ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી,
મુખથી ખમા ખમા કરતી
માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,
શાહબાશીના શબદ બોલતા પ્રત્યેકની પિછાને;
નિજ ગૌરવ કેરે ગાને
જખ્મી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;
અણપૂછયો અણપ્રીછેલો
કોઇનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી;
એને સીંચણ તેલ-કચોળાં નવ કોઇ બહેની લાવી;
કોઇના લાડકવાયાની
ન કોઇએ ખબર પૂછાવી.

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સન્મુખ ઝીલ્યા ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી;
કોઇનો લાડકવાયાની
આંખડી અમૃત નીતરતી.

કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મૃતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં;
આતમ-દીપક ઓલાયા,
ઓષ્ઠનાં ગુલાબ કરમાયાં.

કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;
પાસે ધૂપસળી ધરજો,
કાનમાં પ્રભુપદ ઉચરજો !

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ઠ-કપોલે-ભાલે ધરજો ચુંબન ધીરે;
સહુ માતા ને ભગિની રે !
ગોદ લેજો ધીરે ધીરે !

વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;
રે ! તમ ચુંબન ચોડાતાં
પામશે લાડકડો શાતા.

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજ અહર્નિશ પ્રભુને પાયે પડતી;
ઉરની એકાંતે રડતી
વિજોગણ હશે દિનો ગણતી.

કંકાવટીએ આંસુ ઘોળી છેલ્લું તિલક કરંતા,
એને કંઠ વીંટાયા હોશે કર બે કંકણવંતા;
વસમાં વળામણાં દેતા
બાથ ભીડી બે પળ લેતાં.

એની કૂચકદમ જોતી અભિમાનભરી મલકાતી,
જોતી એની રૂધિર-છલક્તી ગજગજ પહોળી છાતી;
અધબીડ્યાં બારણિયાંથી
રડી કો હશે આંખ રાતી.

એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;
કોઇના લાડકવાયાને
ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;
લખજો: ‘ખાક પડી આંહી
કોઇના લાડકવાયાની’.

- ઝવેરચંદ મેઘાણી
(મેઘાણી યુગવંદના, પ્રસાર, ભાવનગરમાંથી)
(ઝવેરચંદ મેઘાણીની નોંધઃ 1930, કારાવાસમાં, સાબરમતી જેલમાં અબ્બાસ સાહેબની વિદાયની સાંજરે સ્નેહ-સંમેલનમાં શ્રી દેવદાસ ગાંધીએ જૂની રૉયલ રીડરમાંથી મૅરી લા કોસ્ટે નામનાં કોઇ અજાણ બાઇનું રચેલું કાવ્ય Somebody’s Darling વાંચી સંભળાવેલું. તેણે પેદા કરેલા મંથનનું પરિણામ. અત્યારના આપણા સમયને અનુરૂપ ભાવ આપેલો છે. મારી આંખોના ખીલ ઠોલાવેલાં તે દિવસે જ લગભગ આંધળા આંધળા લખેલું હતું. મારું ઘણું જ લાડકવાયું ગીત, મારા કંઠના મુકરર સૂરોમાંથી જ ઉદ્ ભવેલું અને એ જ સૂરો વડે સતત સીંચાયેલું, તેને જ્યારે હું કાલીંગડા અને મરાઠી સાખીના મૂળ સૂરને બદલે ભૈરવીમાં ગવાયેલું સાંભળું છું ત્યારે મારું પ્રિય સંતાન રિબાતું હોવાની વેદના મને થાય છે.)