Sunday, December 18, 2005

ગ્રામમાતા

ગ્રામમાતા
–સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી)

(શાર્દૂલવિક્રીડિત)
ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !

(માલિની)
મધુર સમય તેવે ખેતરે શેલડીના, રમત કૃષિવલોનાં બાલ નાનાં કરે છે;
કમલવત્ ગણીને બાલના ગાલ રાતા, રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે !

(અનુષ્ટુપ)
વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી,
અહો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે !

(વસંતતિલકા)
ત્યાં ધૂળ દૂર નજરે ઊડતી પડે છે,
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે
ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને,
તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં !

(મંદાક્રાન્તા)
ધીમે ઊઠી, શિથિલ કરને, નેત્રની પાસ રાખી, વૃદ્ધા માતા, નયન નબળાં, ફેરવીને જુએ છે;
ને તેનો એ, પ્રિય પતિ હજુ, શાંત બેસી રહીને, જોતાં ગાતો, સગડી પરનો, દેવતા ફેરવે છે.

(અનુષ્ટુપ)
ત્યાં તો આવી પહોંચ્યો એ, અશ્વ સાથે યુવાન ત્યાં;
કૃષિક, એ ઊઠી ત્યારે 'આવો, બાપુ !' કહી ઊભો.

(શાર્દૂલવિક્રીડિત)
'લાગી છે મુજને તૃષા, જલ જરી દે તું મને'
બોલીનેઅશ્વેથી ઊતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ;
'મીઠો છે રસ ભાએ! શેલડી તણો' એવું દયાથી કહી,
માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી !

(વસંતતિલકા)
પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરીક કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
ને કૈં વિચાર કરતો નર તે ગયો પી.

(અનુષ્ટુપ)
'બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા,'
કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું.

(મંદાક્રાન્તા)
કાપી કાપી ફરી ફરી અરે ! કાતળી શેલડીની,
એકે બિંદુ પણ રસતણું કેમ હાવાં પડે ના ?
'શુ કોપ્યો છે પ્રભુ મુજ પરે !' આંખમાં આંસુ લાવી,
બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં

(અનુષ્ટુપ)
'રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
નહિ તો ના બને આવું;' બોલી માતા ફરી રડી.

(વસંતતિલકા)
એવું યુવાન સુણતાં ચમકી ગયો ને
માતાતણે પગ પડી ઊઠીને કહે છે :
'એ હું જ છું નૃપ, મને કર માફ ! બાઈ !
એ હું જ છું નૃપ, મને કર માફ ! ઈશ !'

(શાર્દૂલવિક્રીડિત)
'પીતો'તો રસ હું પ્રભુ ! અરે ત્યારે જ ધાર્યું હતું,
આ લોકો સહુ દ્રવ્યવાન નકી છે, એવી ધરા છે અહીં;
છે તોયે મુજ ભાગ કૈં નહીં સમો, તે હું વધારું હવે,
શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની, પાસેથી લેવું નહીં ?

(ઉપજાતિ)
રસ હવે દે ભરી પાત્ર બાઈ ! પ્રભુક્રુપાએ નકી એ ભરાશે;
સુખી રહે બાઈ! સુખી રહો સૌ, તમારી તો આશિષ માત્ર માગું !'

(વસંતતિલકા)
પ્યાલુ ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરી જ કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
બ્હોળો વહે રસ અહો ! છલકાવી પ્યાલું !

અલ્લા બેલી

અલ્લા બેલી
–શૂન્ય પાલનપુરી

સાત સમંદર તરવા ચાલી, જ્યારે કોઇ નાવ અકેલી
ઝંઝા બોલી ‘ખમ્મા ખમ્મા’!, હિંમત બોલી ‘અલ્લા બેલી’!

નાવ ઊતારુ હો કે માલમ, સૌને માથે ભમતું જોખમ
કાંઠા પણ દ્રોહી થઇ બેઠા, મઝધારે પણ માઝા મેલી


એવાં છે પણ પ્રેમી અધુરા, વાતોમાં જે સુરાપુરા
શિર દેવામાં આનાકાની, દિલ દેવાની તાલાવેલી

કોનો સાથ જીવનમાં સારો ‘શૂન્ય’ તમે પોતે જ વિચારો
મહેનત પાછળ બે બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી


આપ ખુદીનું શાસન ડોલ્યું, પાખંડીનું આસન ડોલ્યું
“હાશ” કહી ઈશ્વર હરખાયો, ‘શૂન્યે’ જ્યાં લીલા સંકેલી.

માતબર નથી

માતબર નથી
–શૂન્ય પાલનપુરી


મૃત્યુ તરફના તકાદાનો કોઇ ડર નથી
અફસોસ માત્ર એ કે જીવન માતબર નથી
એવો ય માર્ગ છે કે જ્યાં પગરવ નથી થયો
ધરણી ધ્રુજાવનારને શાયદ ખબર નથી

ત્રાસી ગયો છું એટલો એક જ અનુભવે
બીજો ખુદા નિભાવી શકું એ જીગર નથી
શ્રધ્ધા ઉઠે એ પહેલાં વિચારી લે ઓ સમય
વિફરેલ જીંદગીને ખુદાનો ય ડર નથી.

વિશ્વાસ રાખ એ જ દફનાવશે તને
કોણે કહ્યું દોસ્તને તારી કદર નથી.
સરદાર ‘શૂન્ય’ ક્યાંક પલાયન થઇ ગયો

થંભી ગયા છે શ્વાસ એ અંતિમ સફર નથી

અંધેર નગરી

અંધેર નગરી
–દલપતરામ


પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;
બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,
કદી સારી બૂરી ન વેચે વિવેકે.

ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો,
ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;
લીધી સુખડી હાટથી આપી આટો,
ગુરુ પાસ જઈને કહે, "ખૂબ ખાટ્યો."

ગુરુજી કહે, "રાત રહેવું ન આંહી,
સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;
હશે ચોરને શાહનો ન્યાય એકે,
નહી હોય શિક્ષા ગુનાની વિવેકે...

ન એ વસ્તીમાં એક વાસો વસીજે,
ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે."
કહે શિષ્ય, "ખાવા પીવા ખૂબ આંહી,
તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી."

ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો,
"નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો."
ન માની કશી વાત તે શિષ્ય જયારે,
ગુરુજી તજીને ગયા ગામ ત્યારે.

રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા,
બહુ ખાઈપીને થયા ખૂબ તાજા;
પછીથી થયા તેહના હાલ કેવા,
કહું છું હવે હું સુણો સદ્ય તેવા.

તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર;
તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર.
માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ;
શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ.

"એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;
રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર."
વણિક કહે, "કડિયા તણો એમાં વાંક અપાર;
ખરેખરી એમાં નથી, મારો ખોડ લગાર."

કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;
ચૂકે ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર.
ગારો કરનાર કહે, "પાણી થયું વિશેષ;
એ તો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ"

પુરપતી કહે પખલીને, "જો તું શૂળીએ જાય,
આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય."
"મુલ્લાં નીસર્યા મારગે, મેં જોયુ તે દિશ;
પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ."

મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર;
શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર.
ફળ જાડું શૂળી તણું, મુલ્લાં પાતળે અંગ;
એવી હકીકત ચાકરે, જઈ કહી ભૂપ પ્રસંગ.

ભૂપ કહે, "શું હરઘડી આવી પૂછો કોઈ;
શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ."
જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;
બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ

શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય;
ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય.
જોગી શૂળી પાસ જઈ કહે, "ભૂપ સુણ કાન,
આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન."

ચેલો બોલ્યો, "હું ચઢું" ને ગુરુ કહે, "હું આપ;"
અધિપતિ કહે, "ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ."
ગુરુ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;
રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.

જૂનું ઘર ખાલી કરતાં

જૂનું ઘર ખાલી કરતાં
–બાલમુકુંદ દવે

ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડૂ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્ધ્રારે નિત લટકતું નામનું પાટિયું,
જે મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.

ઊભા છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હ્રદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
'બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?'
ખૂંચી તીણી સજલ દગમાં કાચ કેરી કણિકા !

ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણિકા !

Wednesday, November 23, 2005

અન્યોક્તિ

અન્યોક્તિ

–દલપતરામ

ઊંટ કહે: આ સમામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.
વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.


સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
"અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે "

Sunday, October 16, 2005

ચારણ-કન્યા

સાવજ ગરજે

વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !

ક્યાં ક્યાં ગરજે ?

બાવળના જાળામાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે


થર થર કાંપે !

વાડામાં વાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડા કાંપે
ઝાડ તણાં પાંદડલાં કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓનાં જળ પણ કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે

આંખ ઝબૂકે !

કેવી એની આંખ ઝબૂકે !
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે

જડબાં ફાડે !

ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્ધાર ઉઘાડે !
પ્રુથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ ! લસ ! કરતા જીભ ઝુલાવે.

બ્હાદુર ઊઠે !

બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઊઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભલે કાઠી ઊઠે
ઘર-ઘરમાંથી માતી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે !
જાણે આભ મિનારા ઊઠે !

ઊભો રે'જે !

ત્રાડ પડી કે ઊભો રે'જે !
ગીરના કુત્તા ઊભો રે'જે !
કાયર દુત્તા ઊભો રે'જે !
પેટભરા ! તું ઊભો રે'જે !
ભૂખમરા ! તું ઊભો રે'જે !
ચોર-લૂંટારા ઊભો રે'જે !
ગા-ગોઝારા ઊભો રે'જે !

ચારણ-કન્યા

ચૌદ વરસની ચારણ-કન્યા
ચૂંદડિયાળી ચારણ-કન્યા
શ્વેતસુંવાળી ચારણ-કન્યા
બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હિંગોળી ચારણ-કન્યા
ઝાડ ચડંતી ચારણ-કન્યા
પહાડ ઘૂમંતી ચારણ-કન્યા
જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા
નેસ-નિવાસી ચારણ-કન્યા
જગદમ્બા-શી ચારણ-કન્યા
ડાંગ ઉઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા
હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા

ભયથી ભાગ્યો !

સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !

-ઝવેરચંદ મેઘાણી (Zaverchand Meghani)